સંક્ષિપ્ત પરિચય

છેલ્લાં ચાળીસ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ માત્ર રાજ્ય કે રાષ્ટ્રમાં જ નહીં, બલ્કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને સંસ્કૃતિવિચારક તરીકેનું એમનું વ્યક્તિત્વ ચોપાસ માનવીય ભાવનાઓ અને આધ્યાત્મિક અભીપ્સાઓની સુવાસ ફેલાવતું રહ્યું છે. સાહિત્યમાં ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિશે એકસોથી વધુ ગ્રંથો લખનાર ડૉ. કુમારપાળ દેસાઈનાં પાંચ પુસ્તકોને કેન્દ્ર સરકારનાં અને ચાર પુસ્તકોને ગુજરાત સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. એમનું ‘નાની ઉંમર, મોટું કામ’ પુસ્તક સમગ્ર દેશની તમામ ભાષાઓમાં એ વર્ષનું બાળસાહિત્યનું સર્વશ્રેષ્ઠ પુસ્તક ગણાયું હતું. એમણે લખેલા લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર ‘લાલ ગુલાબ’ની એકસાથે 60,000 નકલો વેચાઈ હતી. એમનું ‘અપંગનાં ઓજસ’ પુસ્તક વિકલાંગો માટેનું શ્રેષ્ઠ પુસ્તક ગણાયું હતું અને તે હિંદી, અંગ્રેજી અને બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું છે. એમનાં અંગ્રેજીમાં લખાયેલાં દસ પુસ્તકોમાંથી ‘Glory of Jainism’, ‘Tirthankar Mahavira’, ‘Pinnacle of spirituality’, 'Brave Hearts', 'Jainism :The Cosmic Vision' મહત્ત્વનાં છે. ‘મહાયોગી આનંદઘન’ વિશે ચારસો હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખી, પીએચ.ડી.ની પદવી મેળવનાર ડૉ. કુમારપાળ દેસાઈએ આ વિશે ત્રણ પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી ભાષામાં તૈયાર થતા સર્વપ્રથમ જનરલ ઍન્સાયક્લોપીડિયાં ગુજરાતી વિશ્વકોશનાં એ ટ્રસ્ટી અને રાહબર છે.

ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડિરેક્ટર અને આર્ટ્ સ ફૅકલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા ડૉ. કુમારપાળ દેસાઈએ 38 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. એમના માર્ગદર્શન હેઠળ વીસ વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની પદવી મેળવી છે. સામાન્ય રીતે વ્યક્તિ એક વિષયમાં પીએચ.ડી.માં ગાઇડ હોય છે, જ્યારે ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય, ગાંધીદર્શન, શાંતિસંશોધન, પત્રકારત્વ અને જૈનદર્શન એમ જુદા જુદા પાંચ વિષયોમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે.

છેલ્લાં ચાળીસ વર્ષથી તેઓ પત્રકારત્વક્ષેત્રે આગવું પ્રદાન કરી રહ્યા છે. જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની મહત્તા અને ભારતીય સંસ્કૃતિની પ્રતિભાઓનો પરિચય આપતી તેમજ માનવજીવનને ઊર્ધ્વગામી બનાવતી એમની દર અઠવાડિયે પ્રગટ થતી ‘ઈંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘પારિજાતનો પરીસંવાદ’ તેમજ ‘આકાશની ઓળખ’ જેવી કૉલમ્સ બહોળી લોકચાહના ધરાવે છે. પત્રકારત્વના શિક્ષણ ઉપરાંત ‘અખબારી લેખન’, ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ એમના પત્રકારત્વ વિશેના મહત્ત્વના ગ્રંથો છે.

ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હૉંગકૉંગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે અન્યથા તેમનાં વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી અને કો-ઑર્ડિનેટર છે, સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ‘વિદ્યાવિકાસ ટ્રસ્ટ’, ‘અનુકંપા ટ્રસ્ટ’, ‘ઇન્ડિયન રૅડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ)’ વગેરે માનવસેવાનાં કાર્યો કરતી સંસ્થાઓમાં પણ તેઓ સેવા આપે છે. સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ-તત્ત્વજ્ઞાન વગેરે ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે 1980માં ઑલ ઇન્ડિયા જુનિયર ચૅમ્બર્સ તરફથી ‘ટેન આઉટસ્ટૅન્ડિંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’નો એવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ‘હરિૐ આશ્રમ એવૉર્ડ’ કે.જી નાયક ચંદ્રક, અમેરિકા અને કૅનેડાના જૈન સેન્ટરોના ફૅડરેશન ‘જૈના’ દ્વારા ‘પ્રેસિડેન્ટ સ્પેશયલ એવૉર્ડ’, શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટ તરફથી માનવમૂલ્યો અને સંસ્કૃતિક વારસાના આલેખન માટે એવૉર્ડ, ‘જૈન જ્યોતિર્ધર એવૉર્ડ’ અને ‘ગુજરાત રત્ન એવૉર્ડ’ પ્રાપ્ત થયેલ છે. પત્રકારત્વનાં પ્રદાન માટે યજ્ઞેશ શુક્લ એવૉર્ડ અને નવચેતન રૌપ્ય ચંદ્રક, સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ તરફથી ‘બૅસ્ટ સ્પોર્ટ્ સ જર્નાલિસ્ટ’ના એવૉર્ડ મળ્યા છે. મુંબઈમાં ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયીના હસ્તે સમગ્ર વિશ્વના 26 પ્રતિભાવાન જૈનોને ઍવોર્ડ મળ્યા હતો. તેમાંના એક ડૉ. કુમારપાળ દેસાઈને ‘જૈન રત્ન’ના એવૉર્ડથી સન્માનિત કર્યા છે તેમજ ભારત જૈન મહામંડળ તરફથી સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ, આચાર્ય તુલસી અનેકાન્ત એવૉર્ડ તથા જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનનો 'જૈન વિભૂષણનો' સર્વોચ્ચ એવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેઓને હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિખ્યાત સાહિત્યકાર શ્રી જયભિખ્ખુના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ એમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં આગવી નામના અને ચાહના સંપાદિત કરી છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ગુજરાત સરકાર દ્વારા મૂર્ધન્ય સાહિત્યકારને અપાતો 2009નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે. પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ઘણાં વર્ષો બાદ ભારત સરકારે શિક્ષણ અને સાહિત્યમાં કાર્ય કરતી ગુજરાતની પ્રતિભાને ‘પદ્મશ્રી’થી પોંખી છે. આ રીતે અનેક ક્ષેત્રોમાં જ્વલંત પ્રગતિ સાધનાર અને સમાજને સાહિત્યસર્જન, પત્રકારત્વ તથા સમાજિક અને સાંસ્કૃતિક કાર્યોથી આદર્શ પૂરો પાડનાર આ વ્યક્તિને હૃદયથી અભિનંદીએ. (વધુ પરિચય માટે ક્લીક કરો)